ગિરનાર લીલી પરિક્રમા-2026 અને સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમા મેળામાં ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તા.19થી 25 નવેમ્બર દરમિયાન સાત દિવસમાં વેરાવળ ડેપો દ્વારા કુલ 442 વધારાની ટ્રિપો દોડાવવામાં આવી હતી. આ કામગીરી થકી નિગમને રૂ.27,88,567ની વધારાની આવક થઈ હતી.
105 વાહનો દ્વારા 57,748 કિમીનું વધારાનું સંચાલન ગિરનાર લીલી પરિક્રમામાં જવા-આવવા માટે જૂનાગઢ તેમજ જૂનાગઢથી સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવતા યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા વિશેષ આયોજન કરાયું હતું. આ દરમિયાન કુલ 105 વાહનોનો ઉપયોગ કરીને 20,425 મુસાફરોને સલામત પરિવહન સુવિધા આપવામાં આવી હતી. બસોએ કુલ 57,748 કિલોમીટરનું વધારાનું અંતર કાપ્યું હતું. આ સંચાલન દરમિયાન EPKM 48.29 નોંધાયો હતો.
એક પણ અકસ્માત કે બ્રેકડાઉન વિના કામગીરી આ સફળ કામગીરી પાછળ એસ.ટી.ના ડ્રાઇવર-કંડક્ટરોની રાત-દિવસની મહેનત અને સમગ્ર સ્ટાફના ટીમવર્કનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે સાત દિવસનું સમગ્ર વધારાનું સંચાલન એક પણ અકસ્માત કે બ્રેકડાઉન વિના પૂર્ણ થયું હતું. વાહનોની સમયસર જાળવણી અને ટેકનિકલ વ્યવસ્થા જાળવવા મિકેનિક, સુપરવાઇઝર અને મિકેનિકલ સ્ટાફે જવાબદારી નિભાવી હતી. જ્યારે ટ્રાફિક સુપરવાઇઝરો, ટ્રાફિક સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ સતત મોનિટરિંગ કર્યું હતું.

