રાજકોટમાં આગની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉગલીમાં પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન JCBથી ખોદકામ કરતાં ગુજરાત ગેસની પાઇપલાઇન ફાટી જતાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિ દાઝી જતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં હિતેન્દ્રસિંહ ઝાલા 40 ટકા અને મહેશભાઈ ભરવાડ 80 ટકા દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.
આગમાં ખાણીપીણીની બે થી ત્રણ રેકડીઓને નુકસાન થયું હતું, જ્યારે એક ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયું હતું. નજીકમાં આવેલા PGVCLના સબસ્ટેશન સુધી પણ આગની અસર પહોંચી હતી. ફાયર વિભાગની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આશરે 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉગલી વિસ્તારમાં બપોરે આશરે 2:30 વાગ્યે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે JCBનું સૂપડું ગુજરાત ગેસની પાઇપલાઇન સાથે અથડાતાં લાઇન ફાટી ગઈ હતી અને ગેસ લીકેજ થવાથી અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

