Gujarat

રાજકોટનાં રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરીમાં 12 દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ

રાજકોટનાં રેસકોર્સ સંકુલમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે મહાનગરપાલિકાના ઉપક્રમે 12 દિવસીય સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નો શુભારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 3 નવેમ્બર સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ મેળાનો મુખ્ય હેતુ ભારતની પરંપરાગત કલા, હસ્તકલા, સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘મેઈક ઇન ઇન્ડિયા’ સંકલ્પને વેગ આપવાનો છે.

મેળામાં કુલ 92 સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર, ફૂડ કોર્નર તેમજ માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ માટેના ૫ સ્ટોલ્સનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વસહાય જૂથો, શેરી ફેરિયાઓ, પરંપરાગત કારીગરો અને કલાકારોને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના ઉત્પાદનોને લોકભોગ્ય બનાવવા માટે ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ અંતર્ગત બ્રાન્ડિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પરિવાર સાથે આવનાર મુલાકાતીઓ અને બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા તથા એક્ટિવિટી ઝોનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સાથે સાંજે 6થી રાત્રે 9 કલાક દરમિયાન સ્થાનિક કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરી શકે તે માટે સાંસ્કૃતિક કોર્નર પણ બનાવવામાં આવ્યું છે.

આ મેળાના આયોજન અંગે વાત કરતા મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, રાજકોટના લઘુ ઉદ્યોગો અને સ્થાનિક વ્યાપારીઓને પ્રોત્સાહન આપવા દિવાળીના મહાતહેવાર નિમિત્તે દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. અહીં સ્થાનિક કારીગરો દ્વારા ખાણીપીણીથી લઈને બારેમાસ કામ આવે તેવી જીવનજરૂરિયાતની અંદાજે 92 જેટલી વસ્તુઓના સ્ટોલ્સ ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકલ ફોર વોકલ’ના નારાને સાર્થક કરવા રાજકોટવાસીઓએ આ પ્રદર્શનની અચૂક મુલાકાત લેવી જોઈએ.