કચ્છ જિલ્લાના અંજાર GIDC વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર GIDC માં આવેલી એક જાણીતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આગ લાગવાની મળતી માહિતી અનુસાર, અંજાર GIDC માં આવેલી ‘રિલે પાર્ટીકલ પ્રાઇવેટ લિમિટેડ‘ નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં આ આગ લાગી છે. કંપનીમાં પ્લાયવુડ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગ જાેતજાેતામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જાેવા મળ્યા હતા.
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. હાલમાં બે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે, કેમ તે અંગેની વિગતોની હજુ રાહ જાેવાઈ રહી છે.

