સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ નજીક આવેલી એક યાર્ન ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના આજે સવારે બની હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં છ જેટલા કામદારો હાજર હતા. ધુમાડો નીકળતા જ કામદારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ફાયર અધિકારી ભુપેન્દ્રસિંહ (વરિયાવ) એ જણાવ્યું હતું કે, “અમને કોલ મળતા જ અમારી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચાર ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.”

