આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન અને ખાડી સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, જેના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના જુદા જુદા વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરીને ચાલી રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મંત્રી અને મેયરે ભગવતી સોસાયટી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થાનિક પદાધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓના કાફલા સાથે પુણા વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં હાલમાં ખાડી સફાઈનું કામ પ્રગતિ હેઠળ છે, જેનું મંત્રી અને મેયર માયાબેન માવાણી સહિતના કોર્પોરેટરોએ જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમજ ચોમાસા દરમિયાન નડતી મુખ્ય મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સ્થળ પર હાજર મહાનગરપાલિકાના ઉચ્ચ ટેકનિકલ અને ઝોનલ અધિકારીઓ સાથેની વાતચીતમાં મંત્રીએ કામગીરીની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને ચોમાસા દરમિયાન ગંદકી, દુર્ગંધ કે ખાડીના પાણી ઘરોમાં ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ નક્કર આયોજન સુનિશ્ચિત કરવામાં આવે.
ચોમાસું બેસે તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા કડક આદેશ નિરીક્ષણ દરમિયાન મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મનપાના તંત્રને કામની ગુણવત્તા બાબતે કડક તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી એ સીધી રીતે નાગરિકોની સુવિધા અને આરોગ્ય સાથે જોડાયેલી બાબત હોવાથી તેમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ચોમાસું વિધિવત રીતે સક્રિય થાય તે પહેલાં, નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ ખાડી સફાઈ અને ડ્રેનેજ લાઈનોના ક્લિનિંગ સહિતના તમામ કામો પુરા કરવા માટે વહીવટી તંત્રને આદેશો આપવામાં આવ્યા છે.

