જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજના બહેનો અને બાળકો માટે પ્રથમવાર મહારાસ ગરબા મહોત્સવ યોજાયો. એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૧૫૦૦ બ્રહ્મસમાજના બહેનો અને બાળકોએ એકસાથે ગરબા રમ્યા. દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમ શરૂ થયો.

ગોરાણી મહારાસ સાથે તાલી રાસ, પંચિયા રાસ, ફ્રી સ્ટાઇલ, વેલ ડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ. ૧ થી ૧૬ વર્ષના છોકરા-છોકરીઓ અને ૧૭ થી ૫૦ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે આ સ્પર્ધાઓ હતી. વિજેતાઓને ઇનામો અપાયા.
આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મસમાજની બહેનો દ્વારા કરાયું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ સહિત મહાનુભાવો, આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગપતિઓ અને ખેલૈયાઓ પણ પરિવાર સાથે જોડાયા.

ગોરાણી ગ્રુપના મુખ્ય સંયોજક ડિમ્પલબેન જગત રાવલ અને તેમની ટીમે સફળ સંચાલન કર્યું. જલ્પાબેન બુચ, હીરબેન બુચ, સીમરન ભટનાગરે નિર્ણાયક તરીકે સેવા આપી. એન્કર બીમલભાઈ ઓઝાએ કાર્યક્રમનું સંચાલન કર્યું.

