– ડિજિટલ ટેક્નોલોજી, આધુનિક માછીમારી પદ્ધતિઓ અને માછલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની તકો અંગે માછીમારોને વિશેષ માર્ગદર્શન અપાયું
વિશ્વ માછીમાર દિવસ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ સિક્કા અને રસુલનગરના માછીમાર સમુદાય માટે વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન સિક્કા જમાતખાના ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પગડિયા માછીમારો, બોટ ઓનર માછીમારો, બોટમાં કાર્યરત ખલાસીઓ તેમજ માછલી માર્કેટમાં માછલીનું વેચાણ કરતા બહેનો સહિત માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન માછીમારોને આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને માછીમારી વ્યવસાયને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને ડિજિટલ મરિન સર્વિસિઝ, મછલી એપ્લિકેશન, ઐઆઇ આધારિત મછલી મિત્ર, ગુજરાત રાજ્ય માટે વોટ્સએપ અને યુટ્યૂબ ચેનલ જેવી સુવિધાઓની ઉપયોગિતા અને તેના દ્વારા માછીમારો સુધી પહોંચતી વિવિધ માહિતી અંગે નિષ્ણાતોએ સમજણ આપી હતી.

આ ઉપરાંત માછીમારી માટે ઉપયોગી હવામાનની માહિતી, દરિયાઈ પરિસ્થિતિ, માછીમારી સંબંધિત નવીન જાણકારી અને ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને માછલીના વેચાણ ઉપરાંત તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને વધારાની આવક ઊભી કરવાની શક્યતાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માર્ગદર્શનથી માછીમાર પરિવારોને પરંપરાગત વ્યવસાયની સાથે આવકના નવા વિકલ્પો વિકસાવવાની પ્રેરણા મળી હતી.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર ડો. પ્રકાશ પટેલ તથા સિક્કા ફિશરીઝ સેન્ટરના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. શ્રી હિતેશ કરદાની તેમજ જિલ્લા મત્સ્યોદ્યોગ વિભાગના વડા શ્રી જયદીપ બારડ તથા ઇનકોઇસ તરફથી ફિશરીઝ ટેક્નોલોજીના જુનિયર રિસર્ચ નિષ્ણાત સુશ્રી કાવ્યા ગોકુલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માછીમારી ક્ષેત્રમાં ઉપલબ્ધ નવીન ટેક્નોલોજી, સરકારી યોજનાઓ, વૈજ્ઞાનિક અભિગમ અને વ્યવસાયલક્ષી તકો અંગે માછીમારોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે ઓખા અને સિક્કાના માછીમારો પણ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને માછીમારી ક્ષેત્રમાં મેળવેલા પોતાના અનુભવો અને તેના દ્વારા મળતા લાભો અંગે અન્ય માછીમારો સાથે માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સિક્કા અને રસુલનગરના માછીમાર સમુદાયના સર્વાંગી વિકાસ અને આર્થિક સશક્તીકરણ માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પગડિયા માછીમારો અને બોટ ઓનર માછીમારો માટે વિશેષ યોજનાઓ અમલમાં મૂકીને તેમને વિવિધ યોજનાકીય લાભો પૂરા પાડવામાં આવ્યા છે. આ પહેલ દ્વારા માછીમારોની કાર્યક્ષમતા વધારવા, વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવા અને તેમની આવકમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.
વિશ્વ માછીમાર દિવસ નિમિત્તે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં માછીમાર સમુદાયને નવી ટેક્નોલોજી, વૈજ્ઞાનિક માહિતી, વ્યવસાયિક તકો અને આર્થિક સશક્તીકરણ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો હતો.
આ કાર્યક્રમ માછીમાર સમુદાયના વિકાસ, આજીવિકાની મજબૂતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે રિલાયન્સ પરિવારની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ બન્યો હતો.

