Gujarat

ભૂગર્ભ ગટર કનેક્શન માટે GPCBની ગાઈડલાઈનનું પાલન કરવું‎

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ હોલ ખાતે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરની સુવિધા અને વિકાસને લગતા વિવિધ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મનપાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશીના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં ટ્રાફિક નિવારવા ગેરેજોને અપાયેલી નોટિસો તેમજ હોટેલો અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં મંજૂર થયેલા પાર્કિંગનો વાસ્તવિક ઉપયોગ થાય તે માટે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો, સાથોસાથ આજુબાજુની શેરીઓમાં ન્યુસન્સ અટકાવવા પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત બિનખેતી લે-આઉટમાં રોડ, લાઈટ, પાણી અને ગટર જેવી સુવિધાઓ ડેવલોપર પૂરી ન પાડે ત્યાં સુધી એન.ઓ.સી. ન આપવા અને આ બાબતે ચુસ્ત અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને રાખી ભયજનક ઇમારતોનો સર્વે કરી તાત્કાલિક સલામત પગલાં લેવા તેમજ ગીતા ટોકીઝ પાસે જમા થયેલા કચરાનો તાકીદે નિકાલ કરવા આદેશ કરાયો હતો.

બેઠકમાં ઈમ્પેક્ટ લો અન્વયે મળેલી અરજીઓ, તેના નિકાલ અને પ્રાપ્ત થયેલી આવકની પણ સમીક્ષા કરાઈ હતી તથા નવી ટી.પી. સ્કીમોમાં વધુ પહોળા રોડ અને સેન્ટર ડિવાઈડરનું આયોજન કરવા સૂચના આપી હતી. અંતમાં, ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભૂગર્ભ ગટર કનેક્શન માટે GPCBની ગાઈડલાઈનનું કડક પાલન કરવા જણાવાયું હતું.