સુરત કાપડ માર્કેટમાં પેમેન્ટ ન ચૂકવી કરોડો રૂપિયાનું ઉઠમણું કરતા લેભાગુ વેપારીઓ પર અંકુશ મેળવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટમાં વેપારીઓના અટવાયેલા નાણાં અને પેમેન્ટ ન મળવાની સતત મળતી ફરિયાદોને પગલે ફોસ્ટાએ ડિફોલ્ટરોને સીધા જ ‘બ્લેકલિસ્ટ’ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે 60થી 90 દિવસમાં નિયમિત નાણાં ચૂકવતા પ્રામાણિક વેપારીઓને બાદ કરતાં, મહિનાઓ સુધી પેમેન્ટ રોકી રાખનારા અને છેતરપિંડીના ઈરાદા ધરાવતા વેપારીઓ સામે હવે આરપારની લડાઈ લડવામાં આવશે.
180 દિવસથી પેમેન્ટ અટકાવનારા સામે લાલઆંખ ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક લેભાગુ તત્વો એકથી દોઢ વર્ષ સુધી વેપારીઓના પૈસા લઈને બેસી રહે છે. આવા વેપારીઓની યાદી અલગ-અલગ માર્કેટ વિસ્તારોમાંથી મંગાવવાની કામગીરી ફોસ્ટાએ શરૂ કરી છે. ખાસ કરીને જે વેપારીઓ 180 દિવસ કરતાં વધુ સમય સુધી પેમેન્ટ ચૂકવતા નથી, તેમની સામે કાનૂની અને વ્યાપારી સ્તરે કડક પગલાં લેવાશે. નિયમ મુજબ 180 દિવસથી વધુ સમય નાણાં અટકેલા હોય તો GST પોર્ટલ પર પણ સત્તાવાર ફરિયાદ કરી શકાય છે. ફોસ્ટા આવા લોકોને પહેલાં આખરી ચેતવણી આપશે અને જો પેમેન્ટ ક્લિયર નહીં થાય તો માર્કેટમાં બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
‘સારી રીતે વેપાર કરવો હોય તો જ સુરત આવો’ સમગ્ર મામલે ફોસ્ટાના ઉપપ્રમુખ દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, “બહારગામના વેપારીઓ 1000થી 2000 કિલોમીટર દૂર રહેતા હોવાથી સુરતના વેપારીઓ માત્ર ફોન પર જ તેમનો સંપર્ક કરી શકે છે. કેટલાક લોકો આ અંતરનો ગેરફાયદો ઉઠાવી પહેલાં મીઠી વાતો કરી વિશ્વાસ કેળવે છે અને બાદમાં છેતરપિંડી આચરી પેમેન્ટ દબાવી રાખે છે. જ્યાં સુધી મોટું પ્રેશર ન આવે ત્યાં સુધી તેઓ નાણાં આપતા નથી. આવા વેપારીઓને અમારી સ્પષ્ટ વોર્નિંગ છે કે પ્રમાણિકતાથી ધંધો કરવો હોય તો જ સુરતમાં વેપાર કરો, અન્યથા ફોસ્ટા આવા લેભાગુઓને બ્લેકલિસ્ટ કરવાના નિર્ણયો લેવા સંપૂર્ણ તત્પર છે.

