Gujarat

વાઘોડિયામાં નિવૃત્ત પ્રોફેસર સાથે ₹60 હજારની ઠગાઈ

વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત ખાનગી યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે CRPF ઓફિસરની ખોટી ઓળખ આપી સસ્તા ભાવે ફર્નિચર અપાવવાની લાલચ આપીને રૂપિયા 60,000 પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમમાં થયેલી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફર્નિચરના ફોટા મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ QR કોડથી નાણાં પડાવ્યા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજના વતની અને હાલ લીમડા ખાતે ખાનગી યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી ગણપતલાલ કોદરભાઈ વણકરને ઠગબાજે પોતાની ઓળખ CRPF ઓફિસર તરીકે આપી હતી. આરોપીએ સસ્તામાં ફર્નિચર આપવાની વાત કરી વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ પર ફર્નિચરના ફોટા પણ મોકલ્યા હતા. ત્યારબાદ પેમેન્ટ માટે અલગ-અલગ QR કોડ મોકલતા ફરિયાદીએ તે કોડ પોતાના મિત્ર જેશન પટેલને મોકલી આપ્યા હતા.

બે તબક્કામાં ₹60 હજાર ટ્રાન્સફર થતાં ઠગાઈનો અહેસાસ ફરિયાદીના કહેવાથી તેમના મિત્ર જેશન પટેલે પોતાના બેંક ખાતામાંથી આરોપીએ મોકલેલા QR કોડ પર પ્રથમ ₹25,000 અને ત્યારબાદ ₹35,000 મળી કુલ ₹60,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, નાણાં ચૂકવ્યા બાદ પણ ફર્નિચર ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ગણપતલાલ વણકરે સાયબર ક્રાઇમમાં અરજી કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.