Gujarat

કંપનીના બોસ બની પૈસા પડાવવાનો સાયબર ગઠિયાઓનો ખેલ

ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં સાયબર ગઠિયાઓએ 3 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. સાયબર ઠગોએ ખાનગી કંપનીના ડિરેક્ટરના નામે નકલી વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને કંપનીના એકાઉન્ટન્ટ સાથે 3 કરોડની રકમની ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ઠગે ડિરેક્ટરનો ફોટો અને નામ વાપરીને વોટ્સએપ પર એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધા હતા અને એક અજાણ્યા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. અસલી ડિરેક્ટર સાથે કોન્ફરન્સ કોલ પર વાત થતાં આ સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો, જેના પગલે એકાઉન્ટન્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

બોસ બની ગઠિયાઓએ પૈસા ટ્રાન્સફર કરાવ્યા ગોતામાં રહેતા અને ચાંગોદરમાં ખાનગી કંપનીમાં કામ કરતા એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવી છે કે 18 ઓગસ્ટએ સવારે એકાઉન્ટન્ટ કંપનીમાં કામ કરતા હતા ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમના ફોનમાં તે નંબર અચાનક કંપનીના ડિરેક્ટર નામે સેવ થઈ ગયો હતો અને તેમાં તેમનો જ ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં હતો. બોસ બનીને વાત કરી રહેલા શખ્સે વોટ્સએપ પર કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછ્યું હતું.

એકાઉન્ટન્ટે 13 કરોડ પ્લસ CC 6 કરોડના બેલેન્સની માહિતી આપતા ઠગે બેંક એકાઉન્ટ નંબરની વિગતો આપી તેમાં 3 કરોડ રૂપિયા ચૂકવવાનો મેસેજ કર્યો હતો. ડિરેક્ટરનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટએ પેમેન્ટ માટે એક્સેલ ફાઈલ બનાવી બેંકના કંપનીના એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી અને કંપનીના અન્ય ભાગીદાર પાસેથી ફોન પર એપ્રુવલ પણ લીધું હતું.