Gujarat

મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ થયો

શહેર પોલીસ વિભાગની એલસીબી ઝોન-૧ ટીમે શહેરમાં સતત ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. નવરંગપુરા વિસ્તારમાં મહિલાની સોનાની ચેન તોડી ફરાર થયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

પોલીસે શહેરભરના ૫૦૦થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી પાલડીના નારાયણનગર વિસ્તારમાં વોચ ગોઠવી પંકજ પરમાર અને લક્ષ્મણસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ચેન સ્નેચિંગ માટે ખાસ આયોજન કરતા હતા. ગુનાને અંજામ આપતી વખતે બાઇકની નંબર પ્લેટ બદલી નાખતા તેમજ હેલ્મેટ અને રૂમાલથી પોતાની ઓળખ છુપાવતા હતા. આરોપીઓ મંદિર અને દેરાસર આસપાસ રેકી કરી સોનાની ચેન પહેરેલા લોકો પર નજર રાખતા અને તક મળતા જ ચેન તોડી ફરાર થઈ જતા હતા.

આ મામલે ડ્ઢઝ્રઁ ઝોન-૧ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, મણિનગર, ખોખરા અને રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ ૬ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી પંકજ પરમાર સામે અગાઉથી ચેન સ્નેચિંગ અને વાહન ચોરી સહિતના ૧૦થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ૪૪ વર્ષીય પંકજ શંકરલાલ પરમાર જે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને ઉદયપુર ૩૮ વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને પણ વોન્ટેડ આરોપી જાહેર કરી છે. આ મહિલા પર આરોપ છે કે તે આ લૂંટારુઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી. પોલીસ હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, રાણીપ, મણિનગર અને ખોખરામાં આચરેલા ગુનાઓની કબૂલાત કરી છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ ૨.૮૧ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ રૅકોર્ડ અનુસાર, પકડાયેલા અને વોન્ટેડ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. પંકજ પરમાર સામે અમદાવાદ અને સુરતમાં લૂંટ, ચેઇન સ્નેચિંગ અને ચોરીના ઓછામાં ઓછા ૧૦ ગુનાઓમાં સંડોવાયેલો છે. લક્ષ્મણસિંહ ચૌહાણ અગાઉ લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આશાબહેન સામે પણ છેતરપિંડી, ચોરી, લૂંટ અને ચોરાયેલી મિલકત રાખવાના અનેક કેસો અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અમદાવાદ સિવાય અન્ય કયા જિલ્લાઓમાં સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે અને બાકીનો ચોરાયેલો મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે.