Gujarat

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ.12 લાખનો ગાંજો ઝડપાયો

ગુજરાતમાં આંતરરાજ્ય ટ્રેનો મારફતે થતી માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન.રાવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન 21 માર્ચના રોજ વહેલી સવારે ટ્રેન નં. 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં એસ.ઓ.જી. અને એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વિમલના થેલાની તપાસ કરતા ગાંજો નીકળ્યો જ્યારે આ ટ્રેન રાત્રે 02:19 વાગે નિયોલ રેલવે સ્ટેશન પાસે પહોંચી, ત્યારે પોલીસ ટીમને રિઝર્વેશન કોચ નં. S/6 અને જનરલ કોચની વચ્ચેથી એક બેકપેક અને એક વિમલનો થેલો મળી આવ્યો હતો.

આ ઉપરાંત, કોચ નં. A/1 અને પાછળના જનરલ કોચના કોરીડોર વચ્ચેથી પણ એક અન્ય બેકપેક મળી આવ્યું હતું. આ થેલાઓની તપાસ કરતા તેમાંથી કુલ 23.895 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 11,94,750 જેટલી થાય છે.

આરોપી જથ્થો મુકી ફરાર પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યો ઈસમ આ માદક પદાર્થનો જથ્થો આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે લાવ્યો હતો, પરંતુ પોલીસ ચેકિંગના ડરથી તે આ જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કરશનભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) અને 20(બી-ii)સી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.