આગામી વર્ષ-૨૦૪૭ સુધીમાં સિકલ સેલ નાબૂદીના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ગુજરાત: આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા
આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’ યોજાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ના દ્વારકા હોલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ‘ યોજાયો હતો.
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આનુવંશિક રોગોને અટકાવવા માટે જે રીતે લગ્ન સમયે પરંપરાગત કુંડળી મેળવવામાં આવે છે, તે જ રીતે હવે લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી‘ એટલે કે સિકલ સેલનું સ્ટેટસ- વાહક કે દર્દી તપાસવું અનિવાર્ય છે, જેથી આવનારી પેઢીને આવા પીડાદાયક રોગો વારસામાં ન આવે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૬માં જ્યારે દેશમાં આ રોગ પ્રત્યે ઓછી જાગૃતિ હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરી હાથ ધરીને સિકલ સેલના વાહક અને દર્દીઓનો સચોટ ડેટાબેઝ તૈયાર કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, જાે દ્રઢ સંકલ્પ અને સામાજિક જાગૃતિ હોય તો કોઈ પણ રોગને નાબૂદ કરી શકાય છે. વર્ષ-૨૦૦૭માં ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગની અથાક મહેનતથી આપણે રાજ્યને પોલિયોમુક્ત બનાવ્યું છે; એ જ રીતે વર્ષ-૨૦૪૭ સુધીમાં સિકલ સેલ પણ ભૂતકાળ બની જશે તેવી આશા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
સિકલ સેલના દર્દીઓને હિંમત આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ જિંદગીથી હારી જવાનો રોગ નથી, પરંતુ યોગ્ય કાળજી અને સારવારની મદદથી આ રોગ સાથે પણ સંપૂર્ણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. વર્ષ-૨૦૪૭ના વિકસિત અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે ગુજરાતનો પ્રત્યેક નાગરિક હસતો-ખીલતો અને નિરોગી રહે તે જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
શ્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને ખૂબ જ સંવેદનશીલતાથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સિકલ સેલની બીમારી ધરાવતા બાળકોએ આ રોગની પીડા દર્શાવતું એક ભાવવાહી પેઇન્ટિંગ -ચિત્ર મંત્રીશ્રીને ભેટ આપ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા આરોગ્ય ક્ષેત્રે નવીન પહેલ કરવામાં અગ્રેસર રહ્યું છે અને રાજ્યના સિકલ સેલ કાર્યક્રમને વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. શીતળા અને પોલિયો જેવા રસીકરણ -વેક્સિન આધારિત રોગોની સરખામણીએ સિકલ સેલ જેવા જનીની -જેનેટિક રોગોની નાબૂદી અત્યંત પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. અધિક મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીના આ દીર્ઘકાલીન લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ અને જેનેટિક કાઉન્સિલિંગ જેવા મજબૂત સ્તંભોની સાથે ‘જનજાગૃતિ‘ અને ‘જનભાગીદારી‘ જ સિકલ સેલને રોકવા એકમાત્ર અસરકારક ઉપાય છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જાહેર આરોગ્યના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ સંયુક્ત નિયામક મલેરિયા ડૉ. આર.બી. પટેલે કરી હતી.
આ કાર્યક્રમમાં કમિશનરશ્રી ગ્રામ્ય આરોગ્ય અને નેશનલ હેલ્થ મિશન ડાયરેકટર ડો. રતનકવર ગઢવી ચારણ, ધનવન્તરી ટ્રસ્ટના સંસ્થાપક ડૉ. અતુલ દેસાઇ સહીત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

