Gujarat

તબેલાની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી ભોયણ ગામની સીમમાં માનવ જિંદગી જોખમમાં મૂકીને ચાલતા ગેરકાયદેસર રાંધણગેસ રીફિલિંગ કૌભાંડનો સી.આઈ.ડી. ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ગાયોના તબેલાની પાછળ પતરાનો શેડ બનાવીને ચલાવવામાં આવતા ગોડાઉન પર દરોડો પાડીને ટીમે 151 ગેસ સિલિન્ડર અને ડુપ્લિકેટ સીલ સ્ટીકરો સહિત રૂ. 3.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ત્રણ લોકો રંગેહાથ ઝડપાયા વડસર-મોટી ભોયણ રોડ પર રામાપીર મંદિર પાસે આવેલી જગ્યામાં ગેરકાયદે ગેસ રીફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી સી.આઈ.ડી. ક્રાઈમને મળી હતી. આ બાતમીના આધારે પાડેલા દરોડામાં મુખ્ય સૂત્રધાર નીલેશ સેધાભાઈ પરમાર (રહે. ગોતા, મૂળ ઊંઝા) તથા તેના બે મજૂરો ચેતન પરમાર અને ફૂલજી યાદવ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે કોઈપણ પાસ-પરમિટ કે ફાયર સેફ્ટી વગર ભાડે રાખેલા શેડમાં આ કાળો કારોબાર ચાલતો હતો.

ડુપ્લિકેટ સીલ મારી કાળાબજારમાં વેચાણ આરોપીઓ મોટા કોમર્શિયલ અને ઘરેલુ બાટલાઓમાંથી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ દ્વારા નાના-મોટા ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ ડિજિટલ કાંટા પર વજન કરીને તેના પર HP, ઈન્ડેન અને ભારત ગેસ કંપનીના બોગસ પ્લાસ્ટિક સીલ લગાવી ગ્રાહકોને કાળાબજારમાં રોકડેથી વેચતા હતા.