Gujarat

લતીપરમાં રાજ્યપાલે ગાયનું દુગ્ધ દોહન કર્યું પ્રાકૃતિક ખેતી-ગાયના મહત્વ વિશે માર્ગદર્શન

જામનગર જિલ્લાના લતીપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્યપાલે ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ ખેતીની પ્રક્રિયાઓમાં રસ લઈને પોતાનું અનુભવસભર અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ગુલાબથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયા જોઈ હતી અને અન્ય મૂલ્યવર્ધિત પેદાશોને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે આ રીતે મૂલ્યવર્ધન કરીને પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ મોટી આવક મેળવી શકાય છે તેમ જણાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યાં હતાં. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ માટે મહત્વના એવા ઘન જીવામૃત, નિમાસ્ત્ર, વગેરેની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં ગુલાબ તેમજ મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું.