સુપ્રસિધ્ધ્ યાત્રાધામા દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં અષાઢી બીજના પાવન અવસરે આજે 15મી જુલાઇના રોજ પરંપરાગત રથયાત્રા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં સાંજે 5:00થી 7:00 વાગ્યા દરમિયાન ભગવાન દ્વારકાધીશના બાળસ્વરૂપને ચાંદીના અલંકૃત રથમાં બિરાજમાન કરાવી મંદિર પરિસરમાં વિશેષ પરિક્રમા કરાવવામાં આવશે.
પરંપરા મુજબ મંદિરના પૂજારી પરિવારના માર્ગદર્શન હેઠળ શ્રીજીના બાળસ્વરૂપને ગર્ભગૃહ માંથી બહાર લાવી ભક્તોને વિશેષ દર્શન કરાવવામાં આવશે. ત્યારબાદ ચાંદીના અશ્વોથી શોભતા રથમાં બિરાજમાન શ્રીજીની મુખ્ય ગર્ભગૃહની આસપાસ ચાર પરિક્રમા યોજાશે. દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ભોગ અર્પણ, આરતી કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને દર્શનાર્થીઓ જોડાવાની શક્યતા છે.

