Gujarat

નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારી ઢોર પકડવા ટ્રેઇની માણસો કે કોઇ વ્યવસ્થા નથી

તાજેતરમાં બાવળા હાઇવે પર બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં ગૌવંશના કારણે બે વાહનો પલટી મારી ગયાં હતાં. પ્રથમ બનાવમાં, રાજકોટ તરફથી લોખંડના રોડ ભરીને અમદાવાદ જઈ રહેલું આઈસર વહેલી સવારે આશરે 5-00 વાગ્યે બાવળા હાઇવે પર આવેલી આદરોડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું.

આ દરમિયાન અચાનક ગાય આડી આવતાં વાહન અથડાઈને હાઇવેની સાઈડમાં પલટી મારી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સદ્નસીબે આઈસર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ઇજા પહોંચી નહોતી.

બીજા બનાવમાં, બપોરના સમયે અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલું એક બોલેરો ડાલું બાવળા હાઇવે પર આવેલી ત્રિમૂર્તિ હોસ્પિટલ સામેથી પસાર થઈ રહ્યું હતું. આ વેળાએ અચાનક ગાય આડી ઊતરતા તેને બચાવવા જતાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન હાઇવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગયું હતું.