અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતનામ આઈઆઈએમ (IIM) સંસ્થાના કેમ્પસમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. IIM કેમ્પસની હોસ્ટેલમાં રહીને MBAનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીના ડિલિવરી બોય સામે અશ્લીલ હરકત, અભદ્ર ઈશારા અને ગંદી કોમેન્ટ્સ કરવાનો ગંભીર આક્ષેપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીની સત્તાવાર ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી ડિલિવરી બોયની ધરપકડ કરી લીધી છે.
રાત્રે ફૂડ ઓર્ડર લેવા પહોંચેલી વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન કર્યું ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, ગત 15 ઓગસ્ટના રોજ સાંજે આઈઆઈએમની વિદ્યાર્થિનીએ સ્વિગી એપ્લિકેશન દ્વારા એક રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યું હતું. રાત્રે આશરે 8:00 વાગ્યાની આસપાસ એક મોબાઈલ નંબર પરથી વિદ્યાર્થિનીને ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતે ડિલિવરી બોય હોવાનું જણાવી પોતે બીજા માળે પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. આથી વિદ્યાર્થિનીએ તેને પહેલા માળે આવવા કહ્યું હતું. વિદ્યાર્થિની જ્યારે ઓર્ડર લેવા માટે પહેલા માળે સીડી પાસે પહોંચી ત્યારે ત્યાં ઊભેલા ડિલિવરી બોયે ફૂડ પેકેટ આપવા માટે OTP માંગ્યો હતો.
અશ્લીલ ટિપ્પણી અને ગંદા ઈશારા કરી ડરાવી દીધી ઓટીપી માંગવાની આડમાં ડિલિવરી બોયે વિદ્યાર્થિનીના શારીરિક દેખાવ પર અત્યંત આપત્તિજનક અને અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. વિદ્યાર્થિનીના આક્ષેપ મુજબ, ડિલિવરી બોયે ફૂડ પેકેટ વિચિત્ર રીતે પકડી રાખ્યું હતું અને પોતાના કપડાં પણ અયોગ્ય રીતે રાખીને વિદ્યાર્થિની તરફ અભદ્ર ચેનચાળા કર્યા હતા. આ અણધાર્યા અને વિકૃત વર્તનથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિની ઓર્ડર લઈને તાત્કાલિક પોતાના રૂમ તરફ દોડી ગઈ હતી અને પોતાની બહેનપણીઓને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી.

