વડોદરાની ‘ખોડલરાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલકે પાટણ જિલ્લાના 48 શ્રદ્ધાળુ પાસેથી 23 દિવસની ચારધામ યાત્રાના પૂરેપૂરા પૈસા લીધા બાદ તેમને ઋષિકેશ પાસે અધવચ્ચે રઝળતા મૂકીને ફરાર થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
યાત્રાનું આયોજન કરનાર ખેડૂત યુવકે શ્રદ્ધાળુઓની જવાબદારી સમજી પોતાના અંગત ખર્ચે પ્રવાસ પૂરો કરાવ્યો હતો. આ મામલે ભોગ બનનારે વડોદરા પોલીસ મથકે આરોપી સંચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
ફેસબુક પર જાહેરાત જોઈ 23 દિવસના પ્રવાસનું આયોજન કર્યું પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામમાં ખેતીકામ કરતા હરેશભાઈ અમરાભાઈ રથવીએ ફેસબુક પર વડોદરાની ખોડલરાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જાહેરાત જોઈ હતી.
તેમણે સંચાલક કુલદીપભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા (ઓફિસ: ગોત્રી રોડ, વડોદરા) સાથે સંપર્ક સાધી પોતાના ગામ અને આજુબાજુના 48 શ્રદ્ધાળુઓ માટે ઓમકારેશ્વર, ઉજ્જૈન, કાશી, અયોધ્યા અને ચારધામ યાત્રાનું આયોજન કર્યું હતું. આ પ્રવાસ માટે કુલ ₹15,62,000 ચૂકવવાનું નક્કી થયું હતું, જે અંતર્ગત હરેશભાઈએ અલગ-અલગ તારીખોમાં ઓનલાઈન અને રોકડા મળીને કુલ ₹15,42,000 ચૂકવી દીધા હતા.
ગેસનો બાટલો ભરાવવાનું બહાનુ કાઢી સંચાલક ભાગી ગયો ગત 23 મે, 2024ના રોજ લક્ઝરી બસ દ્વારા પ્રવાસ શરૂ થયો હતો. પ્રવાસ દરમિયાન 28 મેના રોજ હરિદ્વાર પહોંચતા જ સંચાલક કુલદીપ પંડ્યાએ પ્રવાસ રોકી દેવાની ધમકી આપીને વધુ પૈસા પડાવી લીધા હતા.
ત્યારબાદ 6 જૂન, 2024ના રોજ ઋષિકેશ પહોંચ્યા બાદ રસોડાની ગાડીના ભાડા બાબતે આરોપીએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આ વિવાદ વચ્ચે કુલદીપ પંડ્યા ગેસનો બાટલો ભરાવવાનું બહાનુ કાઢીને 48 શ્રદ્ધાળુને અધવચ્ચે જ મૂકીને ગુપ્ત રીતે ભાગી ગયો હતો અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.
ભોગ બનનારે અંગત ખર્ચે શ્રદ્ધાળુઓને હેમખેમ પરત લાવ્યા ટ્રાવેલ્સ સંચાલક અધવચ્ચેથી ભાગી જતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આથી હરેશભાઈએ પોતાના અંગત ખર્ચે ₹2,12,000 બસનું ભાડું તેમજ રહેવા-જમવાનો વધારાનો ખર્ચ ભોગવીને બાકીનો 9 દિવસનો પ્રવાસ પૂરો કર્યો હતો અને 12 જૂનના રોજ તમામ લોકોને હેમખેમ પરત લાવ્યા હતા. આ અધૂરા પ્રવાસને કારણે હરેશભાઈને અંદાજે ₹6,00,000નું વધારાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

