શહેરના ગોંડલ રોડ ઉપર નહેરુનગર શેરી નંબર – 8 માં મોહન તારી માયા મકાનમાં રહેતા મનીષાબેન રામભાઇ રાઠોડે બનેવી અમિત ડાંગર, ભાણેજ પ્રિયંક અને ભાણેજ વહુ નીતાબેન સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, ભાણેજે અલગ અલગ સમયે સોનાની બુંટી એક જોડ જે આશરે એક તોલાની, સોનાની માળા બુંટી સાથેનો સેટ જે આશરે ચાર તોલાની, સોનાનું નાનુ મંગળસુત્ર આશરે એક તોલાનું, હાથમાં પહેરવાની કડલી એક જોડ આશરે બે તોલાની, હાથમાં પહેરવાના પાટલા જે એક પાટલો આશરે પાંચ તોલાનો મળી કુલ દશ તોલાનો એ રીતેના કુલ 18 તોલાના સોનાના ઘરેણા લઇ જઈ અને ઘરેણા સામે અરજદારને આપેલ રોકડા કુલ રૂ.2.50 લાખમાંથી કુલ રૂ.2 લાખ પણ લઇ ગયા હતા.
આ ઉપરાંત ભાણેજ વહુ નીતાબેન અને બનેવી અમિતભાઈએ સોનાના ઘરેણા જેમા સોનાનુ પઠીયાર (મોટું મંગલસુત્ર) આશરે 14 તોલાનું તથા 2 સોનાનુ મોટુ મંગલસુત્ર આશરે છ તોલાનુ એમ કુલ 20 તોલાના સોનાના ઘરેણા લઇ જઇ તેની સામે ફક્ત સોનાનું એક મંગળસુત્ર આશરે એક તોલાનું, કડલી એક જોડ આશરે બે તોલાની અને સોનાની માળા આશરે ચાર તોલાની એમ કુલ 7 તોલાના સોનાના ઘરેણા બનાવી આપ્યા હતા.
જ્યારે બાકીના 13 તોલા સોનાના ઘરેણા પરત આપ્યા ન હતા. રૂ.20 લાખની કિંમતના 31 તોલાના સોનાના ઘરેણા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

