વડોદરાના વારસિયામાં ચાલી રહેલી ગેંગવોર શહેરના રેસકોર્સ સુધી પહોંચી ગઈ છે. અલ્પુ સિંધી ગેંગ સાથે સંકળાયેલા એક વેપારી પર હરિ સિંધી અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અકોટા પોલીસે આ મામલે ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી મિત્ર સાથે નાસ્તો કરવા ગયો હતો વડોદરા શહેરમાં બ્રેડનો વ્યવસાય કરતા અને દાજીનગર સોસાયટીમાં રહેતા રવિ બીમનદાસ દેવજાનીએ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 25મી જૂનની વહેલી સવારે તેઓ પોતાના મિત્ર અર્જુન સાથે નટુભાઈ સર્કલ પાસે નાસ્તો કરવા ગયા હતા. તે સમયે હરી સિંધી પણ ત્યાં હાજર હતો. અર્જુને રવિને જણાવ્યું હતું કે, હરી સિંધી તને બોલાવે છે, જેથી રવિ ત્યાં મળવા ગયો હતો. ત્યાં હરિ સિંધીની સાથે સાહિલ રાજપૂત અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણી પણ હાજર હતા.
સાહિલ રાજપૂતે પાછળથી રવિના માથામાં પથ્થર મારી દીધો વિવેક અને સાહિલ સાથે રવિને અગાઉ માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને હરિ સિંધી અને તેના સાગરીતોએ રવિ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
રવિએ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રવિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સાહિલ રાજપૂતે પાછળથી રવિના માથામાં પથ્થર મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
શહેરમાં વારંવાર ગેંગવોરની ઘટના અલ્પુ સિંધી અને હરિ સિંધી ગેંગ વચ્ચેની જૂની દુશ્મનીને કારણે શહેરમાં વારંવાર આવી હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. રવિની ફરિયાદના આધારે પોલીસે હરિ સિંધી, સાહિલ રાજપૂત અને વિવેક કેવલાણી સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ગેંગવોરના કારણે સામાન્ય નાગરિકો અને વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

