રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો અંત લાવવા માટેની માંગ ઉઠી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરી છે. તેમજ અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા પણ માંગ કરવામાં આવી છે.
અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી અમુક પ્રશ્નોનોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પોલિટેકનિક અધ્યાપક મંડળનો શિક્ષણ મંત્રીને પત્ર રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ફરી એક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડિપ્લોમા પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ DRDO, ISRO સહિતની વિવિધ સંસ્થાઓમાં મહત્વની સેવાઓ આપી રહ્યા છે.
રાજ્યની 32 પોલિટેકનિકમાંથી માત્ર એક જમાં નિયમિત આચાર્ય છતાં ટેકનિકલ શિક્ષણનો પાયો મજબૂત બનાવતા અધ્યાપકોના અનેક પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નથી. જેથી ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે જરૂરી માનવબળ, બઢતી અને ભરતી જેવી બાબતોમાં વિલંબ થવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર થતી હોવાની પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યની 32 સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી માત્ર એક જ સંસ્થામાં નિયમિત આચાર્ય કાર્યરત છે, જ્યારે બાકીની સંસ્થાઓમાં ઇન્ચાર્જ વ્યવસ્થા હેઠળ જ કામગીરી ચાલી રહી છે.

