Gujarat

માળીયા હાટીનામાં બે બાઈક વચ્ચે સામસામે ટક્કર

​જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માતમાં 23 વર્ષીય દિગ્વિજયસિંહ બહાદુરભાઈ સિસોદિયાનું મોત થયું છે, જ્યારે 18 વર્ષીય રાજવીર સોનિંગ ભલગરીયા ગંભીર રીતે ઘાયલ થયા છે.

મૃતક દિગ્વિજયસિંહ સિસોદિયા CISFમાં ફરજ બજાવતા હતા ​અકસ્માત બાદ ઇજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે માળીયા હાટીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબ ડો. ઈરફાન મહિડાએ દિગ્વિજયસિંહને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે રાજવીર સોનિંગભાઈની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અન્યત્ર રીફર કરવામાં આવ્યા હતા. મૃતક દિગ્વિજયસિંહ સિસોદિયા સીઆઈએસએફ (CISF)માં ફરજ બજાવતા હતા અને લગ્ન પ્રસંગે રજા લઈને પોતાના વતન આવ્યા હતા. ખુશીના પ્રસંગ વચ્ચે જ આ અકસ્માતની દુઃખદ ઘટના બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.