Gujarat

સાગરકાંઠા-ટાપુઓ પર મરીન કમાન્ડોનો સઘન પહેરો, સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની દરિયાઈ સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. આ સાથે જ રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરિયાઈ ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જૂના-નવા બેડી બંદર અને રોઝી બંદર કોસ્ટલ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ પગપાળા તેમજ બોટ મારફતે સઘન પેટ્રોલિંગ અને ચકાસણી કરી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ હિલચાલ અટકાવવાના હેતુથી આ કાર્યવાહી કરાઈ હતી.

પેટ્રોલિંગ દરમિયાન ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી. અજાણી વ્યક્તિઓ, બોટો કે શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવા માટે અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી હતી.આ દરમિયાન માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કરાયો હતો.