તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સાતકાશી ગામના નિશાળ ફળિયામાં ધોધમાર વરસાદથી વ્યાપક નુકસાન થયું છે.સ્થાનિક રહેવાસી કૃષ્ણાભાઈ બલીરામ વસાવાના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનાજ અને ઘરવખરીને નુકસાન થયું હતું. ગ્રામજનોએ તાત્કાલિક મદદ કરી હતી.
વરસાદના ભારે પ્રવાહ અને ધોવાણને કારણે ઘર નજીકનો મુખ્ય પુલ તૂટી પડ્યો છે. આ પુલ ધરાશાયી થતાં સાતકાશી ગામનો વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે.વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને દૈનિક શ્રમજીવીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર સંપર્ક વિહોણો બનતા લોકોમાં ચિંતા વ્યાપી છે.
સાતકાશી ગામે વરસાદથી સર્જાયેલી તારાજી અને લોકોની હાલાકીના સમાચાર મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ ગામીત, ઉકાઈના ડેપ્યુટી ડી.ડી.ઓ. ધોરાજીયા સાહેબ, મામલતદાર એચ.વી. દુધાત અને તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) રમેશભાઈ ગામીત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ અગ્રણીઓ અને અધિકારીઓની ટીમે અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ગ્રામજનોની સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી. તંત્ર દ્વારા વહેલી તકે નુકસાનનો સર્વે કરી, તૂટેલા પુલનું સમારકામ હાથ ધરવા તેમજ અસરગ્રસ્ત પરિવારને યોગ્ય સહાય ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે.

