Gujarat

ઉચ્છલ તાલુકાના કોઝવે પરથી કચરો હટાવાયો

ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદને કારણે વિવિધ કોઝવે, બોક્સ કલવર્ટ અને લો લેવલ બ્રિજ પર કચરો જામી જતાં પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો. આના પરિણામે વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર ખોરવાઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાપી દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારે વરસાદના પ્રવાહ સાથે ભીતબુદ્રક ખેતર ફળીયા રોડ, ઉચ્છલ એસ.એચ.-૨ નવાપુર રોડ, કટાસવાણ પટેલ ફળીયાથી એમ.એચ. લિમિટ રોડ, ચંદાપૂર એપ્રોચ રોડ, ગવાણ એપ્રોચ રોડ, ટોકરવા કાતિસકુવા એપ્રોચ રોડ અને એન.એચ.થી કરોભારી ફળીયા રોડ જેવા માર્ગો પર આવેલા કોઝવે અને નાળામાં લાકડાં, ઝાડી-ઝાંખરાં અને અન્ય કચરો તણાઈ આવ્યો હતો.

તાપીના પંચાયત માર્ગ અને મકાન વિભાગે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લીધી હતી. તેમણે તાત્કાલિક જેસીબી મશીન અને શ્રમિકોની મદદથી અલગ-અલગ ટીમો બનાવીને તમામ અસરગ્રસ્ત સ્થળોએ સફાઈ અભિયાન શરૂ કર્યું.

કોઝવે અને નાળામાંથી જામી ગયેલો કચરો, લાકડાં અને ઝાડી-ઝાંખરાં દૂર કરવામાં આવતાં વરસાદી પાણીનો પ્રવાહ ફરીથી સામાન્ય બન્યો હતો. શુક્રવારે વરસાદનું જોર ઘટતાં પાણીનું સ્તર પણ ઓછું થયું અને વાહનવ્યવહાર ફરીથી સુચારુ રૂપે શરૂ થઈ શક્યો.