Gujarat

મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ અને તાપી તંત્ર એલર્ટ મોડમાં

ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીના ઉપરવાસમાં આવેલા જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્રના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે, જ્યાં પાણીની આવક ઝડપથી વધી રહી છે અને જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું મહારાષ્ટ્રના હથનૂર ડેમના કુલ 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણપણે અને 19 દરવાજા અડધા ખોલીને પણ સતત પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે. ઉપરવાસમાંથી છોડાયેલું આ પાણી તાપી નદી મારફતે સીધું ઉકાઈ ડેમમાં પહોંચતું હોવાથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

તાપી અને સુરતનું વહીવટી તંત્ર એલર્ટ પર ઉપરવાસમાંથી વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને ઉકાઈ ડેમ તંત્ર તેમજ તાપી અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ડેમની જળસપાટી અને પાણીની આવક પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે, જેથી પરિસ્થિતિ મુજબ સમયસર જરૂરી નિર્ણય લઈ શકાય.