Gujarat

જૂનાગઢ ખેતી બેંકની ચૂંટણી પ્રક્રિયામાં હાઈ વૉલ્ટેજ ડ્રામા

જૂનાગઢ જિલ્લા જમીન વિકાસ બેંક (ખેતી બેંક) ની વિસાવદર શાખાની તાલુકા અને પ્રતિનિધિ સભ્યની ચૂંટણી માટે યોજાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારો તેમજ નેતાઓ સામસામે આવી જતાં કાયદાકીય દાવપેચ અને તીખા આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અને ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવા મુદ્દે બેંક પ્રશાસનની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર લલિતભાઈ પાઘડારે બેંક તંત્ર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે ભાજપના ઉમેદવાર જયંતીભાઈ ભુવા સામે ₹૪૫ લાખના ચર્ચિત મગફળી કૌભાંડમાં સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને એફએસએલ (FSL) રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફોર્મમાં ‘કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ નથી’ તેવી ખોટી બાંહેધરી આપી હોવા છતાં બેંક અધિકારીઓએ તેમનું ફોર્મ માન્ય રાખ્યું છે. વધુમાં, ‘આપ’ના નેતા રાજુ બોરખતરિયાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા મેનેજર તટસ્થ કામગીરી કરવાના બદલે સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યા છે અને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માનસિક દબાણ બનાવી રહ્યા છે.

સામે પક્ષે તમામ આક્ષેપોને નકારી કાઢતાં ભાજપના ઉમેદવાર જયંતીભાઈ ભુવાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે કોર્ટમાં કેસ ચોક્કસ પેન્ડિંગ છે, પરંતુ હજુ સુધી કોઈ આખરી ચુકાદો આવ્યો નથી કે તેમને દોષી સાબિત કરાયા નથી. કાયદાકીય જોગવાઈ મુજબ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ સંપૂર્ણપણે માન્ય ઠર્યું છે, જ્યારે સામાપક્ષના ઉમેદવાર બેંકના ડિફોલ્ટર (બાકીદાર) હોવાના કારણે જ રદ થયા છે.