રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ જૂનાગઢમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અગાઉ જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અંગે વ્યક્ત કરાયેલી નારાજગી બાદ, જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી મોટો સપાટો બોલાવ્યો હતો.

₹2.04 લાખનો 584 કિલો અખાધ્ય જથ્થો નાશ કરાયો સંયુક્ત ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી કુલ ૧૪ જેટલી વેપારી પેઢીઓની આકસ્મિક સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટીમોને વિવિધ સ્થળોએથી કુલ ૫૮૪.૫ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ એનાલોગનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ ₹૨,૦૪,૫૭૫ ની અંદાજિત કિંમતના આ જથ્થાને સ્થળ પર જ નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ સઘન ડ્રાઇવ બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. જ્યારે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી એચ. એમ. દવે પાસે તપાસ કરાયેલી પેઢીઓના નામો અને ક્યાંથી કેટલો જથ્થો મળ્યો તેની વિગતો માંગવામાં આવી, ત્યારે તેમણે નામો જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે એવું આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું કે ગાંધીનગરથી જ તપાસ કરાયેલી પેઢીઓ કે વેપારીઓના નામ જાહેર ન કરવાની મનાઈ કરવામાં આવી છે.

અધિકારીઓ કોને છાવરી રહ્યા છે? જાહેર આરોગ્ય સાથે ખિલવાડ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી કર્યા બાદ પણ તેમના નામો ગુપ્ત રાખવાની આ નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દોઢ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા તત્વોના નામ છુપાવીને અધિકારીઓ કોને બચાવી રહ્યા છે તે મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને સમગ્ર ફૂડ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.

