Gujarat

જામનગર U-16 ક્રિકેટ સિલેક્શનમાં ભારે વિવાદ

જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી પેવેલિયન ખાતે જામનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર-16 (U-16) ક્રિકેટ ટીમના સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન ‘બોગસ સિલેક્ટર્સ’ મામલે મોટો વિવાદ સર્જાયો છે. એસોસિએશનના આજીવન સભ્ય સહદેવસિંહ ચુડાસમાએ રાજકોટથી આવેલા સિલેક્ટર્સની સત્તાવાર ઓથોરિટી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે બીજી તરફ એસોસિએશનના પ્રમુખ હિતેશ ભટ્ટે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોવાનો દાવો કર્યો છે.

આ હોબાળા વચ્ચે પણ ગરીબ અને આશાસ્પદ બાળકોનું વર્ષ ન બગડે તે માટે ટ્રાયલ્સ ચાલુ રાખવામાં આવી હતી.

U-16 ક્રિકેટ ટ્રાયલ્સમાં 78 થી વધુ ખેલાડીઓની કસોટી જામનગર ગ્રામ્ય વિસ્તારના 78 થી વધુ ઉભરતા ક્રિકેટરો સફેદ ડ્રેસ અને પોતાની ક્રિકેટ કીટ સાથે આ સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. નિયમ મુજબ ખેલાડીઓ માટે જન્મ તારીખનો દાખલો અને ઓળખ કાર્ડ જેવા વય મર્યાદાના સત્તાવાર પુરાવા ફરજિયાત કરવામાં આવ્યા હતા.

ટ્રાયલ દરમિયાન પસંદગીકારો દ્વારા ખેલાડીઓની બેટિંગ, બોલિંગ અને વિકેટકિપિંગ કુશળતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાંથી પ્રાથમિક તબક્કે 25 થી 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેઓ આગામી સમયમાં સિલેક્શન મેચો રમશે.