ધ્રોલ પોલીસે લતીપુરના ગોકુલપુર વિસ્તારમાંથી ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલા કેરબા, ટેન્કર અને કાર સહિત કુલ રૂ. 32.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ ધ્રોલ-લતીપર હાઈવે રોડ પર આવેલા ગોકુલપુર (લતીપર)માં જાહેર જગ્યાએ ટેન્કરનું સીલ તોડી રહ્યા હતા. તેઓ પ્લાસ્ટિકની પાઈપ વડે બ્રેઝા કારમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબામાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલ ભરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાર પેટ્રોલ તથા ડીઝલ ભરેલા કેરબા, એક ટેન્કર, એક બ્રેઝા કાર, મોબાઈલ ફોન અને અન્ય સાધનો સહિત કુલ રૂ. 32,49,499/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા મયુરભાઈ રામભાઈ બાલસરા (ઉં.વ. ૨૮, ધંધો: ડ્રાઈવિંગ) અને લાલપુરના પડાણા ગામમાં રહેતા સોમાભાઈ વકુભાઈ નાંગેશ (ઉં.વ. ૪૦, ધંધો: ડ્રાઈવિંગ, મૂળ રહે. દાત્રાણા, જિ. દેવભૂમિ દ્વારકા) નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

