Gujarat

જામનગરમાં વિદ્યાર્થિનીનો ઓનલાઈન પીછો કરનાર ઝડપાયો

જામનગર સાયબર ક્રાઇમ પોલીસે એક 18 વર્ષીય વિદ્યાર્થિનીનો ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી અને વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર શખસની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં સઘન તપાસની સૂચના અપાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાના નેતૃત્વમાં જામનગરના સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં રહેતા વૃષિત વ્રજલાલ વાળાની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ફરિયાદી યુવતીના ભાઈનો ફોટો ઓનલાઈન મેળવી AI ટૂલની મદદથી તેમાં ફેરફાર કર્યો હતો. આ એડિટ કરેલો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીને મોકલી તેના ભાઈને ગંભીર ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપી વારંવાર વીડિયો કોલ કરીને યુવતી પર પોતાના તાબે થવા દબાણ કરતો હતો. તે સતત ઓનલાઈન પીછો કરીને અનિચ્છનીય માંગણીઓ કરી માનસિક હેરાનગતિ પહોંચાડતો હતો.

સાયબર પોલીસે બનાવમાં ઉપયોગમાં લેવાયેલા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મેળવી ટેકનિકલ વિશ્લેષણ કર્યું હતું, જેના આધારે આરોપીની ઓળખ થઈ. તેની સામે BNSની કલમ 75, 78, 351(3), 351(4) તેમજ IT એક્ટની કલમ 66(સી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ ચાલુ છે.