Gujarat

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાઈટ પરથી 16 ટન સળિયાની ચોરી

નવસારી રૂરલ પોલીસે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી કરોડો રૂપિયાના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સંદલપોર ગામની સીમમાં દરોડો પાડીને ચોરીના 16 ટન લોખંડના સળિયા, હાઇડ્રા ક્રેન, ટ્રેલર અને સ્કોર્પિયો સહિત કુલ 99.08 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રોજેક્ટના ચેનલ નંબર 242 પર ચોરી

4 જુલાઈ 2026ના રોજ પડઘા ગામની સીમમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચેનલ નંબર 242 પરથી L&T કંપનીના આશરે 16 ટન લોખંડના TMT સળિયા (કિંમત 7,76,641 રૂપિયા) તથા અન્ય સામાન મળી કુલ 10,56,641 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

હાઈવે પર મુદ્દામાલ સગેવગે કરતા રંગેહાથ ઝડપાયા પોલીસ સ્ટાફના મિલન, શિવરાજ અને હિમાંશુને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, ચોરીનો સામાન એક ટ્રેલરમાં ભરીને કેટલાક ઈસમો સંદલપોર ગામની હદમાં નેશનલ હાઈવે 48 પર વનિતા પેટ્રોલિયમની બાજુમાં ખુલ્લી જગ્યામાં સગેવગે કરવાની ફિરાકમાં ઉભા છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને સમગ્ર ગેંગને કોર્ડન કરી લીધી હતી.

જપ્ત કરાયેલો મુદ્દામાલ

લોખંડના TMT સળિયા: 16 ટન (કિંમત 7,76,641 રૂપિયા)

અશોક લેલેન્ડ ટ્રેલર: (RJ-32-GD-7989) કિંમત 30,00,000 રૂપિયા

ACE કંપનીની હાઇડ્રા ક્રેન (23 ટન): (GJ-38-S-2047) કિંમત 45,00,000 રૂપિયા

મહિન્દ્રા સ્કોર્પિયો: (RJ-14-TD-9174) કિંમત 6,00,000 રૂપિયા

મહિન્દ્રા બોલેરો કેમ્પર (સફેદ): (RJ-37-GB-4782) કિંમત 5,00,000 રૂપિયા

મહિન્દ્રા બોલેરો કેમ્પર (કોફી કલર): (RJ-47-GA-6035) કિંમત 5,00,000 રૂપિયા

મોબાઈલ ફોન: 7 નંગ (કિંમત 31,500 રૂપિયા)