બોટાદ શહેરના અક્ષરવાડી-2, ભાંભણ રોડ વિસ્તારમાં બે માળનું મકાન ધરાવતા વિજયભાઈ ગઢાદરાનું મકાન અચાનક પાયામાંથી બેસી જતા ધરાશાયી થવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ગત 21 ઓગસ્ટના રોજ ઉપરના માળે રૂમમાં વાટા પુરવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સાંજે સાડા ચારથી પોણા પાંચ વાગ્યાના અરસામાં પાયામાંથી મકાન બેસી ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે મકાનમાલિકના બાળકો શાળાએ ગયા હતા.
જો કે, મકાન ધરાશાયી થવાથી ટીવી, ફ્રીજ અને સોના-ચાંદીની કિંમતી ચીજવસ્તુઓ સહિતનો ઘરવખરીનો મોટો સામાન કાટમાળ નીચે દબાઈ જવાથી ભારે નુકસાન થયું છે અને પત્ની આઘાતમાં બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ ડોડિયા અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી.
મકાન બેસી જવાથી ઘરવખરીને મોટું નુકસાન આ ઘટના બાબતે મકાનમાલિક વિજયભાઈ ગઢાદરાએ જણાવ્યું હતું કે, આ મકાનને આજથી 6 વર્ષ પહેલા વેચાતું લીધેલ હતું. ઉપરના માળે એક રૂમમાં વાટા પુરવાનું કામ ચાલુ હતું, ત્યારે સાંજના સમયે પાયામાંથી મકાન બેસી જતા નુકસાન થવા પામેલ છે. સદનસીબે મારો દીકરો અને દીકરી શાળાએ હોવાથી પરિવારનો આબાદ બચાવ થયેલ છે. મારા પત્નીને આઘાત લાગતા તે બેભાન થઈ ગયેલ. મકાન બેસી જવાથી ટીવી, ફ્રીજ સહિતની ઘરવખરીને મોટુ નુકસાન થયું છે.

