જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ વન અને પર્યાવરણ મંત્રી તથા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. આ ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, વાહન પાર્કિંગ, રોશની, સ્વચ્છતા અને મેડિકલ સેવાઓ સહિતની તમામ જરૂરી કામગીરી ઝીણવટપૂર્વક સમીક્ષા કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવ, ભવ્યતા અને શિસ્ત સાથે થાય તે જરૂરી છે. આ માટે તમામ સરકારી વિભાગોએ પરસ્પર ઉત્તમ સંકલન સાધીને પોતાની ફરજોનું સુચારુ વહન કરવું અને તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતપોતાના વિભાગની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી

