Gujarat

જામનગરમાં મહોરમ પર્વની તૈયારી શરૂ: વિશ્વવિખ્યાત ચાંદીના તાજિયા સહિત કલાત્મક તાજિયાનું નિર્માણ પૂરજોશમાં

જામનગર શહેરમાં ઇસ્લામ ધર્મના નવા વર્ષ, મહોરમ માસનો પ્રારંભ થયો છે. આ સાથે ઇસ્લામના 1448મા નવા વર્ષની શરૂઆત થઈ છે. હઝરત ઇમામ હુસૈન સાહેબની પવિત્ર શહાદતની યાદમાં ઉજવાતા આ તહેવારને લઈને જામનગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જામનગરમાં મહોરમ દરમિયાન બનતા તાજિયા તેમની કલાત્મકતા માટે વિશ્વભરમાં જાણીતા છે. ખાસ કરીને શહેરનો પ્રખ્યાત ચાંદીનો તાજીયો તેમજ અમી ધૂળધોયાનો તાજીયો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આકર્ષણનું કેન્દ્ર બને છે.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના યુવાનો છેલ્લા દોઢેક મહિનાથી દિવસ-રાત જોયા વગર તાજિયા બનાવવાની તૈયારીઓમાં લાગેલા છે. આ તાજિયાઓને આખરી ઓપ આપવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અંદાજિત ખર્ચ મુજબ, એક-એક કલાત્મક તાજિયાના નિર્માણ પાછળ અંદાજે રૂ. દોઢથી બે લાખનો ખર્ચ થાય છે. આ ખર્ચ તાજિયાની ભવ્યતા અને કલાત્મકતા જાળવવા માટે કરવામાં આવે છે.