રોજનું 6.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે શૂ ફેબ્રિકનો ઉમેરો થયો છે. છેલ્લાં બારેક વર્ષમાં શરૂ થયેલી આ સફર હવે તેજ બની છે. હાલમાં રોજ 5થી 15 લાખ મીટર સુધી ઉત્પાદન પહોંચી ગયું છે. આમ, સુરત હવે ચીનને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે.
અગાઉ સ્પોર્ટ્સ શૂઝના ફેબ્રિક માટે ભારત સંપૂર્ણપણે ચીન પર નિર્ભર હતો, પરંતુ છેલ્લાં 5-6 વર્ષમાં MSME એકમોએ આ તસવીર બદલી નાખી છે. પોલિએસ્ટર અને નાયલોન (MMF) પર મજબૂત પકડ હોવાના કારણે સુરત માટે આ બદલાવ સરળ રહ્યો હતો. હવે આગ્રા, દિલ્હી અને દક્ષિણ ભારતના મોટા ફૂટવેર હબને કાચો માલ સુરતથી અપાઈ રહ્યો છે.
સુરત હવે સાડી અને ડ્રેસ મટિરિયલથી આગળ વધી રોજ 5થી 15 લાખ મીટર શૂ ફેબ્રિક બનાવી રહ્યું છે, જેમાં મેશ, નિટેડ અને PU કોટેડ ફેબ્રિકની ભારે માંગ છે. આગામી ત્રણેક વર્ષમાં આ સેક્ટર ઝડપથી આગળ વધી સુરતની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ બની શકે છે.
- એક જ સ્થળે ટેક્સટાઇલ ચેઇન: યાર્નથી લઈને વીવિંગ, ડાઈંગ, પ્રિન્ટિંગ, કોટિંગ અને ફિનિશિંગ સુધીની પ્રક્રિયા સુરતમાં જ થાય છે.
- એડવાન્સ મશીનરી: હાઈ-સ્પીડ એરજેટ, રેપિયર જેકાર્ડ અને આધુનિક નીટિંગ મશીનોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફેબ્રિક બને છે.
- ઓછી કિંમત, વધુ ફાયદો: ચીન કરતા ઉત્પાદન સસ્તું છે અને નાના એકમ હોવાથી ફેરફાર ઝડપી.
- MSMEની તાકાત: મોટી બ્રાન્ડ નથી છતાં સપ્લાય ચેઇનનો લાભ મળે છે.

