Gujarat

સુરત જિલ્લામાં 34 રસ્તા બંધ ભારે વરસાદને કારણે પુલો પર પાણી ફરી વળ્યું

સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા પુલો અને કોઝવે પર પાણી ફરી વળ્યું છે. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના કુલ 34 રસ્તાઓ પર વાહન વ્યવહાર અસ્થાયી ધોરણે બંધ કર્યો છે. આ બંધ કરાયેલા રસ્તાઓમાં પલસાણા તાલુકાના 10 માર્ગોનો સમાવેશ થાય છે.

પલસાણા પંચાયત સબ ડિવિઝન હેઠળ બંધ કરાયેલા મુખ્ય રસ્તાઓમાં બલેશ્વર–બગુમરા રોડ, ઓલ્ડ બી.એ. પાસિંગ થ્રૂ પલસાણા–બલેશ્વર રોડ (એન.એચ. 48 જંક્શન પાસે), તુંડી–દસ્તાન રોડ, પુણી–અમલસાડી રોડ, અંભેટી–વાઘેચ રોડ, અંત્રોલી–કોસમાડા રોડ, વરેલી–હરિપુરા રોડ, બગુમરા–તુંડી રોડ અને એના–વિંઝોલિયા રોડનો સમાવેશ થાય છે. આ તમામ માર્ગો પર પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી પાણીનું સ્તર ઘટ્યા બાદ અને માર્ગોની સ્થિતિ સલામત બનતા તબક્કાવાર તમામ રસ્તાઓ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં 2 થી 10 કિલોમીટર સુધીનો વધારાનો ચકરાવો કરવો પડી રહ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બંધ જાહેર કરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. નીચાણવાળા પુલો અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અને માત્ર અધિકૃત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા જણાવાયું છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.