અમદાવાદના એક નિવૃત બેંક કર્મચારીને APK ફાઇલ મોકલી 11.42 લાખની ઠગાઈ થઈ છે.વૃદ્ધે બેંકના ગ્રુપમાં આવેલી બેંક હેલ્પની લિંક પર ક્લિક કરતા અજાણ્યા શખ્સે વૃદ્ધ સાથે બેંક મેનેજર બનીને વાતચીત કરી હતી અને વૃદ્ધને એપીકે ફાઇલ મોકલી હતી. જે ડાઉનલોડ કરતા વૃદ્ધના ખાતામાંથી એફડી સહિત કુલ 11.42 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
લિંક પર ક્લિક કરીને મદદ માગીને નિવૃત કર્મચારી ફસાયા આનંદનગર વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધિ યુનિયન બેંકમાં ફરજ બજાવતા હતા. વૃદ્ધના બેંકના કર્મચારીઓનું એક વોટ્સએપ ગ્રુપ હતું,જેમાં બેંકને લગતી માહિતીઓ આવતી હતી. આ ગ્રુપમાં બેંક હેલ્પ લખેલી એક લિંક આવી હતી.
જે લિંક વૃદ્ધે ઓપન કરી હતી, ત્યારે વોટ્સએપ કોલ પર એક વ્યક્તિ સાથે વાત થઈ હતી. આ વ્યક્તિએ પોતાની ઓળખ યુનિયન બેન્કના મેનેજર તરીકે આપી હતી અને વૃદ્ધને મદદ કરવાનું કહ્યું હતું.
વિગત ભરતા જ મોબાઈલ પર ઓટીપી આવવાના શરૂ થયા વૃદ્ધે બેંકમાં લોકરના ભાડાના ડિસ્કાઉન્ટ માટે વાતચીત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરીથી અજાણ્યા શખ્સે વૃદ્ધને મદદ કરવાનું કહીને કસ્ટમર સપોર્ટની એક એપીકે ફાઈલ મોકલી હતી. વૃદ્ધ પાસે ડાઉનલોડ કરાવી તેમાં વિગતો ભરાવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરી વૃદ્ધ વિગત ભરતા જ તેમના પર ઓટીપી આવવાના શરૂ થયા હતા.

