ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ ૫ ના ભાજપ નગરસેવકો વચ્ચે ઝપાઝપી
સુરત મહાનગરપાલિકા (SMC)ના વોર્ડ નંબર ૫ માં ભાજપના આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપો હવે સરેઆમ મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી ગયા છે. ભાતની વાડી સોસાયટીના સ્થાનિક પ્રશ્નો અને મકાનો તોડવા અંગેના વિવાદને ઉકેલવા માટે સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની કાર્યાલય ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના જ નેતાઓ એક બીજા સામે ગંભીર આક્ષેપો કરતા પક્ષની શિસ્ત અને વિશ્વસનિયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે, ત્યારે હવે સત્ય શું છે તે બહાર લાવવાની જવાબદારી પક્ષના નેતૃત્વ પર આવી પડી છે. જાે કે, શહેર ભાજપ પ્રમુખ હાલ વિદેશ હોવાથી આ મુદ્દે કોણ આગેવાની લેશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ તમામ આક્ષેપો સામે ધારાસભ્ય કાંતિ બલરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારી ઉપર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ બેસું તે વાત શક્ય જ નથી. મેં બંને પક્ષોને છોડાવ્યા હતા અને કોઈ મહિલા પર હુમલો થયો નથી.”
SMCના ના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલની ઑફિસમાં સોમવારની મિટિંગ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ધારાસભ્યની ઑફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાતાવરણ ગરમાતાં ઝપાઝપી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાે કે, મહિલા કોર્પોરેટર અને તેમના પતિનો દાવો છે કે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને બંનેને ઈજા થતાં સારવાર લેવી પડી હતી.
બીજી તરફ, ટીપી કમિટીના ચેરમેન મારપીટના આક્ષેપોને નકારી માત્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાનું જણાવ્યું છે. ધારાસભ્યે પણ ઝપાઝપી થઈ હોવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે હાજર રહેલાં કેટલાક લોકોના જણાવ્યા મુજબ, ટીપી કમિટીના ચેરમેન સિવાય અન્ય એક કોર્પોરેટર સાથે પણ મહિલા કોર્પોરેટરના પતિની બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન તમાચા માર્યાની ચર્ચા પણ સામે આવી છે. જાે કે, આક્ષેપોનો કેન્દ્રબિંદુ માત્ર ટીપી કમિટીના ચેરમેન બનતા ઘટનાને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
આ વિવાદ બાદ મહિલા કોર્પોરેટર અને તેમના પતિએ ટીપી કમિટીના ચેરમેન સામે ગેરકાયદે બાંધકામોના મુદ્દે ભેદભાવ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાહેરમાં એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ કરતા પક્ષની આંતરિક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.

