Gujarat

સુરતમાં દિવાળી પર સરકારી ઈમારતો પર થતી રોશનીના દિવસો ઘટશે

સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે શહેરના મુખ્ય બ્રિજ અને મનપાની તમામ સરકારી કચેરીઓ પર આકર્ષક રોશની કરીને શહેરને ઝગમગાવવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવાળી લાઇટિંગનો ઉત્સવ છથી સાત દિવસ સુધી ચાલે છે, અને ગયા વર્ષે આ લાઇટિંગ પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે ₹50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે, આ વર્ષે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આયોજનમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોલસાની કટોકટી અને ઊર્જાની અછત સર્જાઈ હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગના દિવસો ઘટાડીને માત્ર ત્રણથી ચાર દિવસ જ રાખવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં ઊભી થયેલી વીજ સંકટની પરિસ્થિતિની સીધી અસર જાહેર જીવન અને ઉદ્યોગો પર ન પડે તે માટે તંત્ર સાવચેતીના પગલાં ભરી રહ્યું છે.

ઔદ્યોગિક ફીડરમાં સાંજનો પાવરકાપ રદ કરી દેવામાં આવ્યો બીજી બાજુ, રાજ્યમાં છેલ્લા 18 વર્ષમાં પહેલીવાર ગંભીર વીજ સંકટ ઊભું થયું હતું, જેની મોટી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડવાની પૂરી શક્યતા હતી. અગાઉ જાહેર કરવામાં આવેલા ‘સ્ટેગર ડે’ મુજબ વીજ કાપની વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઔદ્યોગિક જગતને રાહત આપવા માટે DGVCL દ્વારા આ વ્યવસ્થા રદ કરવામાં આવી છે. હાયર ઓથોરિટીની સૂચના અનુસાર, હવે ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે અને કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરી દેવામાં આવ્યો છે.