Gujarat

જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવને પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આ હેતુથી જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સલામતી જાળવવાનો અને અનિચ્છનીય ઘટનાઓને અટકાવવાનો છે.

સુરક્ષા નિષ્ણાતોના મતે, કોઈ ઘટના બન્યા બાદ હાઈ એલર્ટ આપવાને બદલે ‘સામાન્ય’ જણાતી પરિસ્થિતિમાં પણ સતર્કતા રાખવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક સુરક્ષાના સમીકરણો અને પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે.

આ વ્યૂહરચનાના ભાગરૂપે, એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ DGP અમિતકુમાર વિશ્વકર્મા, DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરમાં આ ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મરીન ટાસ્ક ફોર્સના પોલીસ ઈન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ તેમજ PSI જી.એમ. બોપલિયા અને ડી.એચ. જાડેજાની આગેવાનીમાં મરીન કમાન્ડોની ટીમોએ જામનગર એરફોર્સ રેન્જ, સરમત અને રસૂલનગરના દરિયાઈ પટ્ટા, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ વિસ્તાર તેમજ અવાવરૂ ટાપુઓ અને ખાડી વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.