Gujarat

બસ સ્ટેન્ડ અને જકાતનાકા પર તપાસ, 48 કલાકમાં 25 શંકાસ્પદની પૂછપરછ

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવાના આશય સાથે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. શહેરમાં “ઓપરેશન ડેલ્ટા હન્ટ” અંતર્ગત ગત મોડી રાત્રે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ અને શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ગણાતા આખલોલ જકાતનાકા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), નીલમબાગ પોલીસ અને બોરતળાવ પોલીસ દ્વારા સંયુક્ત રીતે સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઓપરેશન દરમિયાન પોલીસની જુદી-જુદી ટીમોએ એસટી બસ ડેપોમાં આવી પહોંચતા મુસાફરો અને ત્યાં શંકાસ્પદ જણાતા અન્ય લોકોના દસ્તાવેજી પુરાવાની વિસ્તૃત તપાસ કરી હતી. ત્યારબાદ, બોરતળાવ પોલીસ દ્વારા આખલોલ જકાતનાકા ખાતે ખાસ રોડ-બ્લોક કરીને અદ્યતન ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી. આ ચેકપોસ્ટ પરથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને રોકીને તેમના રજીસ્ટ્રેશન પેપર્સ તેમજ ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સની કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી.
પોલીસ શંકાસ્પદોના પુરાવાની ચકાસણી કરાઈ.

પત્રકારત્વના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, છેલ્લા 48 કલાક દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોને અટકમાં લઈને અથવા રૂબરૂમાં તેમના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ગેરકાયદેસર વસવાટ કરતા પરપ્રાંતિય કે વિદેશી નાગરિકોને પકડવા માટે શરૂ કરાયેલી આ ઝુંબેશમાં, તમામ આઈડી પ્રૂફ ચેક કર્યા બાદ કોઈ પણ બાંગ્લાદેશી કે ગેરકાયદેસર નાગરિક હોવાનું બહાર આવ્યું નથી; તમામ લોકો અધિકૃત હોવાનું સ્પષ્ટ થયું છે.