પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલે ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો માટે ખાસ તૈયારીઓ કરી છે. આ તૈયારીઓનો હેતુ મુસાફરો અને શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ, સુરક્ષિત અને આરામદાયક બનાવવાનો છે. મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુખ્ય સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે.

વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે મુખ્ય સ્ટેશનો, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને પ્રવેશ-નિકાસ દ્વારો પર RPF અને GRPના વધારાના જવાનો તૈનાત કરાયા છે. CCTV દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.
મહિલાઓ અને પરિવારોની સુરક્ષા માટે મહિલા કોચમાં ખાસ પેટ્રોલિંગ વધારાયું છે. સ્ટેશન પરિસરમાં મહિલા સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત છે. મુસાફરોને PA સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ દ્વારા ટ્રેનોના આવવા-જવાની માહિતી નિયમિતપણે આપવામાં આવી રહી છે.

