Gujarat

જામનગર LCBએ ₹57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

જામનગર LCBએ દરેડ GIDC વિસ્તારમાંથી ₹57 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક પ્લોટની ઓરડીમાં દરોડો પાડીને કુલ 7,632 બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹57,02,859 આંકવામાં આવી છે.

બાતમી મુજબ, દરેડ જી.આઈ.ડી.સી. ફેઝ-૩, નિલકંઠ એસ્ટેટની શેરી નંબર-૨માં આવેલા મહાવીરસિંહ દેવાજી જાડેજા (રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ) ના કબ્જા હેઠળના પ્લોટની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની કુલ 7,632 વિદેશી દારૂની બોટલો શોધી કાઢી હતી.

જોકે, દરોડા સમયે આરોપી મહાવીરસિંહ દેવાજી જાડેજા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાની ફરિયાદના આધારે પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.