ભારતને નવા નૌકાદળ વડા મળ્યા
વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને આગામી નૌકાદળના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ૩૧ મેના રોજ કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં મુંબઈમાં પશ્ચિમી નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી રહ્યા છે.
વાઇસ એડમિરલ સ્વામીનાથન વર્તમાન નૌકાદળના વડાના સ્થાને આવશે અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ સુધી સેવા આપશે.
ભારતીય નૌકાદળના એક કુશળ અધિકારી, વાઇસ એડમિરલ સ્વામીનાથનને ૧ જુલાઈ, ૧૯૮૭ ના રોજ દળમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરમાં નિષ્ણાતતા મેળવી છે અને ઘણી મુખ્ય ઓપરેશનલ અને નેતૃત્વ નિમણૂકો સંભાળી છે.
તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલા, શ્રીવેનહામ, યુનાઇટેડ કિંગડમમાં જાેઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, કરંજામાં કોલેજ ઓફ નેવલ વોરફેર અને ન્યુપોર્ટ, રોડ આઇલેન્ડમાં યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
નૌકાદળ કામગીરી અને વ્યૂહાત્મક નેતૃત્વમાં દાયકાઓના અનુભવ સાથે, વાઇસ એડમિરલ સ્વામીનાથન આધુનિકીકરણ અને દરિયાઇ સુરક્ષા પડકારોના નિર્ણાયક તબક્કામાંથી ભારતીય નૌકાદળને આગળ ધપાવશે તેવી અપેક્ષા છે.

