Gujarat

ચૈતર વસાવાના પરિજનો સહિત ઈસુદાન, ગોપાલ ઈટાલિયા પણ યાત્રામાં જોડાયા

આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે અવાજ ઉઠાવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં દક્ષિણ ગુજરાતમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ રવિવારે વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે પહોંચી હતી. આદિવાસી સમાજના હક્કો અને અધિકારોના મુદ્દે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવા તેમજ અન્યાય સામે સંગઠિત અવાજ ઉઠાવવાના હેતુથી આ ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે.

ધરમપુર તાલુકામાં પ્રવેશ્યા બાદ આ યાત્રા વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે પહોંચી હતી. યાત્રા દરમિયાન આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો અને અધિકારો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હનુમાનબારી પહોંચેલી ન્યાય યાત્રા દરમિયાન ગામમાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે આદિવાસી સમાજના હક્કો, અધિકારો અને સમાજના મહાન નાયકોના યોગદાનને યાદ કરાયું હતું. આ ન્યાય યાત્રામાં ચૈતરભાઈ વસાવાનાં ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા શંકુતલાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો પણ યાત્રામાં જોડાયા હતા.

આ પ્રસંગે આગેવાનોએ આદિવાસી સમાજના હક્કો અને અધિકારોના પ્રશ્નોને વાચા આપવા તથા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આહ્વાન કર્યું હતું. આ રેલીના કાર્યક્રમથી સ્થાનિક વિસ્તારમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને અધિકારો અંગે ચર્ચા જોવા મળી હતી.