Gujarat

જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા

જુનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુનામો આચરનાર કુખ્યાત મકસુદ શેતાને એસ.ઓ.જી પોલીસે માણાવદરથી પકડી પાડ્યો

જુનાગઢ જીલ્લાના પોલીસ વિભાગને એક મોટી સફળતા મળી હતી જેમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કુલ ૩૨ ગુના આચરનાર કુખ્યાત આરોપી મકસુદ શેતાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માણાવદરના કોઠારીયા રોડ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મકસુદ હથિયાર સાથે કોઈ અપરાધ કરવાની તૈયારી કરી રહ્યો છે તેમ બાતમી મળતા પોલીસે તેને હાથ બનાવટની પિસ્તોલ સાથે રંગેહાથ પકડી પાડ્યો છે.

જુનાગઢ જિલ્લામાં રાયોટીંગ સહિત ખૂબ જ ગંભીર ગુનાઓમાં સામેલ માણાવદરના મકસુદ સેતાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માણાવદરના કોઠારીયા રોડ પરથી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલામાં મધ્યપ્રદેશના ભીંડના રાજેશ રાજાવત નામના પણ એક આરોપીનું નામ ખુલ્યું છે. જેને પકડવા માટે પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મધ્યપ્રદેશ તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મકસુદ સેતા પાસેથી પકડાયેલી હાથ બનાવટની પિસ્તોલની બજાર કિંમત ૨૦,૦૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ કે.એમ. પટેલે જણાવ્યું હતું કે, પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રાયોટીંગ મારામારી સહિત અનેક ગંભીર ગુનામાં સામેલ અને હાલ રાયોટીંગના ગુનામાં પોલીસ ચોપડે ફરાર આરોપી મકસુદ સેતા માણાવદરના કોઠારીયા રોડ પર હથિયાર સાથે કોઈ અપરાધ કરવાની ફિરાકમાં છે, તેને લઈને પોલીસે કોઠારીયા રોડ પર સર્ચ કરતા ત્યાંથી મકસુદ સેતા હાથ બનાવટની પિસ્તોલ સાથે મળી આવ્યો હતો.

મકસુદ સામે અત્યાર સુધી જુનાગઢ જિલ્લામાં કુલ ૩૨ જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જેમાંના ૨૮ જેટલા ગુનાઓ માણાવદર તાલુકામાં નોંધાયા છે. આ સિવાય વંથલી, કેશોદ અને ગીર ગઢડામાં પણ મકસુદ સેતા સામે વિવિધ અપરાધો કરવા બદલ પોલીસ ફરિયાદો પણ દાખલ થઈ છે. જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હાલ સમગ્ર મામલામાં મકસુદ સાથે જાેડાયેલા મધ્યપ્રદેશના ભીડ જિલ્લાના રાજેશ રાજાવતને પકડી પાડવા પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.